યાત્રાધામ અંબાજી જતાં દર્શનાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે. ગબ્બરમાં એકાવન શક્તિપીઠ મંદિર પરિક્રમામાં શ્રદ્ધાળુઓ સૂર્યાસ્ત પછી પણ કરી શકશે. અંધારામાં જવાનો ભય ન રહે, ભક્તોની સલામતી માટે અને ગબ્બરના જંગલ અને પહાડોમાં પરિક્રમા કરતા ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે, તે માટે ખાસ વ્યવસ્થા કરવાનો નિર્ણય લેવાયો છે. પરિક્રમા દરમિયાન દીપડા, રીંછ કે અન્ય કોઈ પ્રાણીની પજવણી ન થાય તે માટે લગભગ 3 કિલોમીટર સુધીના સમગ્ર માર્ગ પર લોખંડની જાળી વાળો સુંદર ડોમ લગાવવાનો પ્રારંભ કરાયો છે. આ કામ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને યાત્રાધામ ડેવલપમેન્ટ બોર્ડ ગાંધીનગર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. જેમાં જાળી વાળો ડોમ લગાવીને લાઇટીંગ કરીને સમગ્ર રૂટને સૌથી સુંદર બનાવવામાં આવનાર છે. આ ડોમમાં અંદાજે 5 થી 6 કરોડના ખર્ચે લાઇટીંગનું કામ પણ કરવામાં આવશે. જે આગામી ફેબ્રુઆરી માસમાં યોજાનાર પરિક્રમા મહોત્સવ પહેલા પૂર્ણ થઈ જશે. આમ હવે ભક્તો દિવસ દરમિયાન તેમજ રાત્રે પણ પરિક્રમા કરી શકશે. જ્યારે આ ડોમ અને લાઇટિંગ થશે ત્યારે ભક્તોને શ્રેષ્ઠ નજારો જોવા મળશે. સાથે જ પરિક્રમા કર્યા બાદ ભક્તો અંબાજીમાં રાત્રિ રોકાણ કરી શકશે. જેનાથી હોટલ ગેસ્ટ હાઉસના માલિકોના ધંધાને પણ મદદ મળશે. જ્યારે આ 51મી શક્તિપીઠ પરિક્રમાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરી 2014માં આ કર્યું હતું. ભક્તો લગભગ 4 કલાકમાં 3 કિલોમીટર ચાલીને વિશ્વની તમામ 51 શક્તિપીઠની યાત્રા રાત્રી દરમ્યાન પણ કરી શકે તેવી હાલ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
Source link